ભારતીય બંધારણની અજોડ વિશેષતાઓ
ભારતીય બંધારણ એ વિશ્વના તમામ લેખિત બંધારણોમાં સૌથી લાંબુ અને વિસ્તૃત દસ્તાવેજ છે. તે માત્ર વિવિધ સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યું નથી, પરંતુ તેમાં ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને ધ્યાનમાં રાખીને વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. મૂળ બંધારણમાં 395 અનુચ્છેદ, 22 ભાગો અને 8 પરિશિષ્ટો હતા, જે હવે વધીને આશરે 470+ અનુચ્છેદ, 25 ભાગો અને 12 પરિશિષ્ટો થયા છે.
1. વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ (Longest Written Constitution)
ભારતીય બંધારણની લંબાઈ પાછળના મુખ્ય કારણો:
- ભૌગોલિક પરિબળો: ભારતની વિશાળતા અને વિવિધતા.
- ઐતિહાસિક પરિબળો: 1935 ના ભારત સરકારના કાયદાનો મોટો પ્રભાવ.
- જમ્મુ-કાશ્મીર સિવાય (હવે તો એક જ) કેન્દ્ર અને રાજ્યો માટે એક જ બંધારણ.
- બંધારણ સભામાં કાનૂની નિષ્ણાતોનું પ્રભુત્વ.
2. વિવિધ સ્ત્રોતોમાંથી લેવાયેલું (Drawn from Various Sources)
ડૉ. આંબેડકરે ગર્વથી જાહેર કર્યું હતું કે ભારતીય બંધારણ 'વિશ્વના તમામ જાણીતા બંધારણોને ફંફોસીને' બનાવવામાં આવ્યું છે.
- માળખાકીય ભાગ: 1935 ના કાયદામાંથી.
- દાર્શનિક ભાગ (FR & DPSP): અમેરિકા અને આયર્લેન્ડમાંથી.
- રાજકીય ભાગ (સંસદીય પ્રણાલી): બ્રિટનમાંથી.
3. નમ્રતા અને કઠોરતાનું મિશ્રણ (Rigidity and Flexibility)
ભારતીય બંધારણ અમેરિકાના બંધારણ જેવું બહુ કઠોર પણ નથી અને બ્રિટનના બંધારણ જેવું સાવ લવચીક પણ નથી. અનુચ્છેદ 368 હેઠળ બંધારણમાં બે રીતે સુધારા થઈ શકે છે:
- સંસદની વિશેષ બહુમતી દ્વારા.
- વિશેષ બહુમતી + અડધા રાજ્યોની મંજૂરી દ્વારા.
અમુક જોગવાઈઓ સામાન્ય બહુમતીથી પણ સુધારી શકાય છે.
4. એકાત્મક ઝુકાવ સાથે સંઘીય પ્રણાલી (Federal System with Unitary Bias)
ભારત એક 'સંઘ' (Union) છે. બંધારણમાં બે સરકારો, સત્તાની વહેંચણી અને લેખિત બંધારણ જેવી સંઘીય વિશેષતાઓ છે. પરંતુ મજબૂત કેન્દ્ર, એક જ નાગરિકતા અને ઓલ ઇન્ડિયા સર્વિસિસ જેવી એકાત્મક (Unitary) વિશેષતાઓ પણ છે. તેથી કે.સી. વ્હેરે તેને 'અર્ધ-સંઘીય' (Quasi-federal) કહ્યું છે.
5. સંસદીય શાસન પદ્ધતિ (Parliamentary Form of Government)
ભારતે અમેરિકાની પ્રમુખશાહીને બદલે બ્રિટિશ સંસદીય પ્રણાલી અપનાવી છે. આ પ્રણાલીમાં કારોબારી (Executive) ધારાસભા (Legislature) ને જવાબદાર હોય છે. ભારતમાં રાષ્ટ્રપતિ 'નામમાત્રના' વડા છે, જ્યારે વડાપ્રધાન 'વાસ્તવિક' વડા છે.
6. સ્વતંત્ર અને સંકલિત ન્યાયતંત્ર (Integrated and Independent Judiciary)
ભારતમાં ન્યાયતંત્રની એક પિરામિડ જેવી રચના છે:
- ટોચ પર સુપ્રીમ કોર્ટ.
- તેની નીચે હાઈકોર્ટ.
- તેની નીચે તાબાની અદાલતો (Districts Courts).
ન્યાયાધીશોની નિમણૂક અને સુરક્ષા દ્વારા ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે.
7. પુખ્ત મતાધિકાર (Universal Adult Franchise)
ભારતમાં જાતિ, ધર્મ, સાક્ષરતા કે સંપત્તિના ભેદભાવ વગર દરેક નાગરિક જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે, તેને મત આપવાનો અધિકાર છે. 1989 માં 61માં બંધારણીય સુધારા દ્વારા મતદાનની ઉંમર 21 થી ઘટાડીને 18 કરવામાં આવી હતી.
8. ત્રણ સ્તરીય સરકાર (Three-tier Government)
શરૂઆતમાં બંધારણમાં બે સ્તરીય શાસન હતું (કેન્દ્ર અને રાજ્ય). પરંતુ 73માં અને 74માં બંધારણીય સુધારા (1992) દ્વારા પંચાયતી રાજ અને નગરપાલિકાઓ ઉમેરીને 'ત્રણ સ્તરીય' સરકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશ્વના કોઈ પણ બંધારણમાં જોવા મળતું નથી.